વડોદરા નજીક આવેલા રસેલપુર ખાતે મહીસાગરમાં ડૂબવાના વારંવાર બનાવો બની રહ્યા હોવા છતાં તંત્ર દ્વારા આ બનાવો અટકાવવા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી, જેને કારણે ગઈકાલે વડોદરાના વધુ બે યુવકો ડૂબ્યા હોવાનો બનાવ બન્યો છે.
પ્રાથમિક વિગતો મુજબ, વડોદરાના ખોડીયાર નગર નજીક રાજીવ નગર વિસ્તારમાં રહેતા ધર્મેશ અને તેનો મિત્ર ગઈ બપોરે બાઈક લઈ બહાર નીકળ્યા હતા. જે દરમિયાન એક મિત્રએ ક્રિકેટની બેટિંગ માટે તૈયાર રહેવા બાબતે ધર્મેશને ફોન કરતા આ ફોન સાવલી પોલીસ સ્ટેશનના પોલીસ કર્મી પાસે હતો. તેણે બંને યુવકના કપડા નદી પાસે મળ્યા હોવાની જાણ કરતા યુવકના પરિવારજનો રસેલપુર પહોંચ્યા હતા.
જે દરમિયાન બંને યુવકના કપડાં, મોબાઇલ, પાર્ક કરેલું બાઈક તેમજ તેની ચાવી સહિતની ચીજો કિનારા પર મળી હોવાની માહિતી મળી હતી. જેથી આ બંને યુવકો નાહવા ગયા હોવાની અને ડૂબ્યા હોવાની આશંકા સેવાઇ રહી છે.
બનાવ અંગે પોલીસ તેમજ ગુમ થયેલા બંને યુવકના સંબંધીએ વડોદરા ફાયર બ્રિગેડની મદદ માંગતા ઇમર્જન્સી રિસ્પોન્સ સેન્ટરની ટીમ બોટ લઈ શોધખોળ કરવાના કામે લાગી છે. આ ઉપરાંત એનડીઆરએફ ટીમની પણ મદદ લેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.