મારી સમક્ષ આંકડા રજૂ ના કરો, તમને ઈટલી શા માટે મોકલ્યા હતા,મ્યુનિ. કમિશનર
અમદાવાદમાં વધી રહેલા તાપમાનની વચ્ચે મ્યુનિ.ના વિવિધ વિભાગના અધિકારીઓની બેઠક મળી હતી.હીટવેવ એકશન પ્લાનની કામગીરીને લઈ મ્યુનિસિપલ કમિશનર હેલ્થ વિભાગના અધિકારી ઉપર અકળાયા હતા.તેમણે અમદાવાદના લોકો સમક્ષ કયારે કેટલી ગરમી પડશે તેની વિગત સોશિયલ મિડીયા દ્વારા રોજેરોજ મુકવા સુચના આપી હતી.હેલ્થ અધિકારીએ આંકડા રજૂ કરતા કમિશનરે કહયુ,મારી સમક્ષ આંકડા રજૂ ના કરો,તમને ઈટલી શા માટે મોકલ્યા હતા તેવો સવાલ પણ મ્યુનિ.કમિશનરે કરવો પડયો હતો.
મ્યુનિસિપલ કમિશનર એમ.થેન્નારસનની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં શહેર માટે અમલમાં મુકવામાં આવેલા હીટ વેવ એકશન પ્લાનને લઈ હેલ્થ વિભાગના અધિકારીઓ પાસે માહિતી માંગી હતી.હેલ્થ વિભાગના અધિકારીએ શહેરમાં આટલા ફૂવારા બંધ છે અને આટલા ફૂવારા ચાલુ છે થી આંકડાકીય વિગતનું પ્રેઝન્ટેશન શરુ કરતા મ્યુનિ.કમિશનર અકળાઈ ગયા હતા.તેમણે કહયુ, આમા નવુ શું છે.અમદાવાદના લોકોને ઉપયોગી થઈ શકાય અને હીટ વેવ એકશન પ્લાન અંતર્ગત વિશેષ શું કામગીરી કરી શકાય એ અંગેનુ પ્લાનિંગ તમારી પાસે છે જ નહીં.તમને ઈટલી મોકલ્યા હતા.ત્યાંથી તમે અમદાવાદના લોકો માટે હીટવેવના સમયમાં શું કરી શકાય એની તો કોઈ વાત લઈને આવ્યા જ નથી. શહેરના વિવિધ ઝોનમાં રોડ રીસરફેસની હજુ સુધી ૨૫ ટકા જેટલી કામગીરી પુરી થઈ છે.હોળી-ધૂળેટી પર્વ બાદ પણ કયા કારણથી રોડ રીસરફેસની કામગીરી અટકેલી છે એ મુદ્દે મ્યુનિ.કમિશનરે તમામ અધિકારીઓને મે માસના અંત સુધીમાં રોડ રીસરફેસની કામગીરી પુરી કરવા કડક સુચના આપી હતી.