મુંબઈ ઈન્ડિયન્સની ટીમ નવા કેપ્ટન હાર્દિક પંડ્યા મેદાન પર ઉતરશે
ઈન્ડિયન પ્રીમિયર લીગની નવી સિઝનની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ટુર્નામેન્ટની પ્રારંભિક મેચોની તારીખો પણ જાહેર કરવામાં આવી છે. IPL 2024ની મેચોનું પ્રસારણ કરતી ચેનલ દ્વારા લીગનો પ્રથમ પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો છે. IPL 2024ના પ્રોમોમાં હાર્દિક પંડ્યા સહિત ત્રણ ટીમોના કેપ્ટન જોવા મળે છે. આશ્ચર્યજનક વાત એ છે કે મહેન્દ્ર સિંહ ધોની અને રોહિત શર્મા જેવા ચેમ્પિયન કેપ્ટન આ પ્રોમોમાંથી ગાયબ છે.
શું નવું જોવા મળશે IPL 2024માં
IPL 2024ની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. આ વખતે ઘણી નવી વસ્તુઓ જોવા મળશે. મુંબઈ ઈન્ડિયન્સની ટીમ નવા કેપ્ટન સાથે રમશે, જ્યારે કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ નવા મેન્ટર ગૌતમ ગંભીર સાથે રમશે. કાર અકસ્માતમાં ઈજાના કારણે ગત સિઝનમાં રમી ન શકનાર રિષભ પંત ફરીથી મેદાન પર રમતો જોવા મળશે.
આ કેપ્ટન્સને મળ્યું સ્થાન
IPLની નવી સિઝનના પ્રોમોમાં મુંબઈ ઈન્ડિયન્સના નવા કેપ્ટન હાર્દિક પંડ્યાની સાથે કોલકાતા, દિલ્હી અને લખનઉના કેપ્ટનને સ્થાન આપવામાં આવ્યું છે. શ્રેયસ અય્યર, જેને તાજેતરમાં BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બહાર કરવામાં આવ્યો હતો, તે ટીમ ઈન્ડિયાના સાથી ખેલાડીઓ કે.એલ રાહુલ અને રિષભ પંત સાથે જોવા મળી રહ્યો છે. કે.એલ રાહુલ લખનઉ સુપર જાયન્ટ્સ જ્યારે રિષભ દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશિપ કરતો જોવા મળશે. કોલકાતાની કમાન શ્રેયસના હાથમાં રહેશે.