પાણી ઢોળવા, વાહન પાર્ક કરવાના મામલે ઝઘડો થયો
ઇજાગ્રસ્તને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા, સામસામે ફરિયાદો નોંધાઇ
માતર તાલુકાના લીંબાસી ગામમાં રસ્તામાં બાઈક મૂકવા બાબતે ઝઘડો થયો હતો. જેમાં આધેડને પેટમાં ધારિયું મારી ગંભીર ઈજા પહોંચાડી હતી જેથી આધેડને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે લીંબાસી પોલીસ મથકમાં બંને પક્ષોએ સામસામે ફરિયાદ નોંધાવી છે.
માતર તાલુકાના લીંબાસી ગામમાં અંકુરભાઈ ભુપેન્દ્રભાઈ સોલંકીને થોડા સમય પહેલા મહેશભાઈ ઉર્ફે ચકા લાલજીભાઈ કોટક સાથે રસ્તામાં પાણી ઢોળવા બાબતે તેમજ મોટરસાયકલ પાર્ક કરવા બાબતે ઝઘડો થયો હતો. આ ઝઘડાની અદાવત રાખી મહેશભાઈ ઠક્કર અંકુરભાઈ સોલંકીને રસ્તામાં બાઈકો કેમ મૂકી તેમ કહી ગમે તેમ ગાળો બોલવા લાગ્યા હતા.
આ રસ્તામાં બે બાઈકો મૂકી હોવા છતાં વાહન જઈ શકે તેટલો રસ્તો ખુલ્લો હોવા છતાં મહેશભાઈએ બાઈક મૂકવા બાબતે ઝઘડો કરી ગમે તેમ ગાળો બોલતા હોય ભુપેન્દ્રભાઈ સોલંકીએ ઘરની બહાર આવી જણાવેલ કે તમને મોટરસાયકલ નડતું હોય તો હું ખસેડી લઉં છું તેમ કહેતા મહેશભાઈ કોટકે ઉશ્કેરાઇ જઈ ભુપેન્દ્રભાઈ સોલંકીને પેટમાં ધાર્યું મારતા તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા. તેમજ જમણા હાથની આંગળીઓ પર ધારિયું વાગતા ઈજા થઈ હતી. આ ઝઘડાને લઈ બુમાબૂમ થતાં આજુબાજુના લોકોએ દોડી આવી ભુપેન્દ્રભાઈને છોડાવ્યા હતા તેમજ તેઓને તુરંત જ ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ સંદર્ભે અંકુરભાઈ ભુપેન્દ્રભાઈ સોલંકી ની ફરિયાદ આધારે લીંબાસી પોલીસે મહેશભાઈ ઉર્ફે ચકા લાલજીભાઈ કોટક, મંગળાબેન લાલજીભાઈ ઠક્કર તેમજ પારુલ બેન ઠક્કર સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.જ્યારે સામા પક્ષે મહેશભાઈ લાલજીભાઈ ઠક્કરે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેમના ફોઈના છોકરા પરેશ બચુભાઈ ઠક્કર રમેશભાઈ ઠક્કરની વેગેનાર ગાડી મુકવા ગયા હતા. ત્યારે તેમની ગાડી રસ્તામાં મુકેલ ભોપાભાઈની ગાડીને પડી ગઈ હતી. જેને લઇ ભોપાભાઈ ગમે તેમ ગાળો બોલતા હોય મહેશભાઈએ જણાવેલ કે મારા બનેવી રમેશભાઈને ગાડી મુકવા મુકવા આવ્યા હતા, તેમની ગાડી ન હતી તમોએ રસ્તામાં ગાડી ન મૂકી હોત તો ગાડી અથડાતી નહી તેમ જણાવતા ભોપાભાઈએ કહેલ કે તમારા બાપ નો રસ્તો નથી ગાડી તો રસ્તામાં જ મુકીશું તમારાથી થાય તે કરી લેજો તેમ કહી લાકડીની ઝાપટ મારી ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે મહેશભાઈ ઠક્કર ની ફરિયાદ આધારે પોલીસે ભોપાભાઈ બાબુભાઈ સોલંકી, અંકુરભાઈ ભોપાભાઈ, અજીતભાઈ બબુભાઈ તેમજ અભયભાઈ અજીતભાઈ સોલંકી સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.