પાટોત્સવની શોભાયાત્રામાં લાયસન્સ પરવાના વાળી બંદૂકમાંથી ફાયરિંગ કર્યું
વાયરલ થયેલા ફોટો અને વીડિયોના આધારે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી
ભાવનગર : ગારિયાધાર તાલુકાના ભંડારિયા ગામના પાદરમાંથી નીકળેલી શોભાયાત્રા દરમિયાન શખ્સે હવામાં ગોળીબાર કર્યાનો વીડિયો અને ફોટો વાયરલ થતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હથિયાર પરવાનાધારક અને ફાયરિંગ કરનાર શખ્સને ગિરફ્તાર કરી લીધા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર ગારિયાધાર તાલુકાના ભંડારિયા ગામે શનિવારે સ્વામિનારાયણ મંદિરના પાટોત્સવ નિમિત્તે શોભાયાત્રા નીકળી હતી. જે ગામના પાદરમાં પહોંચી ત્યારે જયસુખ મગનભાઈ બેડ (ઉ.વ.૪૬, રહે, ભંડારિયા) નામના શખ્સે માધુ નાનજીભાઈ ડાયાણીની હથિયાર પરવાના લાયસન્સવાળી બાર બોરની બંદૂકમાંથી એક રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યું હતું. હવામાં ગોળીબારનો ફોટો અને વીડિયો વાયરલ થઈ ગારિયાધાર પોલીસ સુધી પહોંચતા પોલીસે બન્ને શખ્સને પોલીસ મથકે બોલાવી તપાસ કરતા જયસુખ બેડ નામના શખ્સે પોતાની પાસે કોઈ હથિયાર પરવાનો કે લાયસન્સ ન હોવા છતાં સમાજમાં ભય ઉભો કરવાના ઈરાદે પોતાના શોખ ખાતર પરવાનાવાળા બાર બોર હથિયાર (બંદૂક)થી હવામાં ગોળીબાર કર્યો હોવાનું તેમજ મધુ ડાયાણીએ અન્ય શખ્સને પોતાના હથિયાર પરવાના વાળું હથિયાર આપી લાયસન્સ ધારકની શરતનો ભંગ કર્યો હતો. જે બનાવ અંગે ગારિયાધાર પોલીસના એએસઆઈ એચ.વી.ગોહિલે બન્ને શખ્સ સામે હથિયારધારાની કલમ ૨૯, ૩૦ મુજબ ગુનો નોંધાવ્યો હતો.