14 દિવસમાં બીજી વખત બરવાળા પોલીસ ઊંઘતી ઝડપાઈ
ખાંભડાના શખ્સ સાથે ભાગીદારીમાં દારૂનું મોટું કન્સાઈનમેન્ટ મંગાવનાર રેફડાનો બુટલેગર પકડાયો, એક શખ્સ ઠેકડો મારી ફરાર
બોટાદ લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે બરવાળા પોલીસને ફરી ઊંઘતી રાખી લાખો રૂપિયાનો વિલાયતી દારૂ ભરેલો ટ્રક ઝડપી લીધો છે. ખાંભડા અને રેફડાના બુટલેગરોએ ભાગીદારીમાં મંગાવેલા દારૂનું કટિંગ થાય તે પહેલા જ ક્રાઈમ બ્રાંચે ધંધુકા-બરવાળા રોડ પરથી ૧૭.૮૨ લાખના દારૂ, ટ્રક, મોબાઈલ ફોન સહિત ૨૭.૯૩ લાખના મુદ્દામાલ સાથે રેફડાના બુટલેગરને દબોચી લીધો હતો. જ્યારે ભાગીદારનો માણસ ઠેકડો મારી નાસી જવામાં સફળ રહ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર બરવાળા તાલુકાના રેફડા અને ખાંભડા ગામના બુટલેગરોએ રાજસ્થાનથી વિદેશી દારૂનું મોટું કન્સાઈનમેન્ટ મંગાવ્યું હોય, બન્ને બુટલેગર ધંધુકા-બરવાળા હાઈવે રોડ પર ભીમનાથ ગામ નજીક શ્રીમ પેટ્રોલપંપ પાસે આ દારૂના જથ્થાનું કટિંગ કરવાના હોવાની બાતમીદારો પાસેથી મળેલી ચોક્કસ હકીકતના આધારે બોટાદ લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે દરોડો પાડતા પેટ્રોલપંપની સામેની સાઈડમાં ટ્રક નં.એમએચ.૧૪.ઈએમ.૬૧૩૮ પાર્ક કરેલો મળી આવ્યો હતો. જેથી ક્રાઈમ બ્રાંચની ટીમ ટ્રક તરફ પહોંચી ત્યારે ક્લિનર સાઈડના દરવાજામાંથી ઠેકડો મારી એક શખ્સ નાસી ગયો હતો. જેનો પીછો કરવા છતાં હાથે લાગ્યો ન હતો. જ્યારે ટ્રકની અંદર શિવકુ જેઠસુરભાઈ કરપડા (ઉ.વ.૪૧, રહે, રેફડા, તા.બરવાળા) નામનો શખ્સ હાજર મળી આવતા તેની ધરપકડ કરી ટ્રકની પાછળના ભાગના ઠાંઠામાં બાંધેલી તાડપત્રી ખોલી જતાં વિદેશી દારૂની જુદી જુદી કંપનીની દારૂની બોટલ નં.૫૯૪૦ (પેટી નંફ૪૯૩, છુટ્ટી બોટલ નં.૨૪) (કિ.રૂા. ૧૭,૮૨,૦૦૦)નો મુદ્દામાલ મળી આવતા ક્રાઈમ બ્રાંચે દારૂનો મસમોટો જથ્થો, બે મોબાઈલ ફોન, તાડપત્રી, બિલ્ટી મળી કુલ રૂા.૨૭,૯૩,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
દરમિયાનમાં ઝડપાયેલા બુટલેગર શિવકુ કરપડાની આગવીઢબે પૂછતાછ કરવામાં આવતા આ દારૂનો જથ્થો હિતેન્દ્ર ઉર્ફે મુન્નો અમકુભાઈ ખાચર (રહે, ખાંભડા, તા.બરવાળા) સાથે ભાગીદારીમાં રાજસ્થાનના ઝાલોર જિલ્લાના સાંચોર ખાતે રહેતો શૈતાનસિંહ મારવાડી પાસેથી મંગાવ્યો હોવાની તેમજ પોલીસને જોઈ નાસી ગયેલો શખ્સ હિતેન્દ્ર ઉર્ફે મુન્ના ખાચરનો માણસ સુરેશ આસુરામ પોટલિયા હોવાની કબૂલાત આપી હતી. વધુમાં શિવકુ અને સુરેશ પોટલિયા નામનો શખ્સ દારૂ ભરેલી ગાડી લેવા આવ્યાનું પણ જણાવ્યું હતું. જેના આધારે એલસીબીના એએસઆઈ બી.જી. ચાવડાએ શિવકુ કરપડા, હિતેન્દ્ર ઉર્ફે મુન્નો ખાચર, શૈતાનસિંહ મારવાડી, સુરેશ પોટલિયા સામે બરવાળા પોલીસમાં પ્રોહી. એક્ટની કલમ ૬૫ (એ), ૬૫ (ઈ), ૧૧૬-બી, ૯૮ (ર), ૮૧ મુજબ ગુનો દાખલ કરાવતા આગળની તપાસ એલસીબી-પેરોલ ફર્લોના પીએસઆઈ એમ.એ. રાઠોડે હાથ ધરી છે.
ઉલ્લેખનિય છે કે, હજુ ૧૪ દિવસ પૂર્વે જ બરવાળા પોલીસની હદમાંથી એલસીબીએ ઘઉંના કટ્ટાની આડમાં ૫૦ લાખથી વધુનો વિલાયતી દારૂ ઝડપી પાડયો હતો.
ચૂંટણી પહેલા બુટલેગરો દારૂનો મોટો સ્ટોક કરવાની ફિરાકમાં
લોકસભાની ચૂંટણી જાહેર થવાને હવે જાજા દિવસો બાકી રહ્યા નથી. ત્યારે ચૂંટણીમાં પોલીસની ભીંસ વધે અને ચૂંટણી સમયે દારૂની રેલમછેલ કરી તગડી કમાણી કરવાના મનસુબા સાથે બોટાદ અને ભાવનગર જિલ્લાના બુટલેગરો દારૂનો મસમોટા જથ્થાનો સ્ટોક કરવાની ફિરાકમાં હોય તેમ રાજસ્થાન, પંજાબ, હરિયાણા તરફથી લાખો રૂપિયાના અંગ્રેજી દારૂનું કન્સાઈનમેન્ટ મંગાવી રહ્યાનું છેલ્લા ૧૫ દિવસની અંદર ભાવનગર અને બોટાદ જિલ્લાની હદમાંથી બોટાદ એલસીબી અને સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે સવા કરોડથી વધુની કિંમતા પકડેલા દારૂ-બિયરના જથ્થાથી પુરવાર થયું છે.